શિક્ષકદિન ઉજવણી, શાંતાબા વિદ્યાલય – કુકેરી
દરેક શાળામાં નિયમિત રીતે ઉજવાતા તહેવારોમાં શિક્ષકદિન એક એવો તહેવાર છે કે જેમાં બાળકોને આગળ પડતી ભૂમિકા ભજવવાનો મોકો મળે છે. વધુમાં આ એક દિવસે તેમને પૂરતી સ્વતંત્રતા મળે છે.
આ વખતે થોડા દિવસ પૂર્વે આ દિવસની ઉજવણી અને ભાગ લેવા માટે બાળકો સાથે મિટિંગ રાખી હતી. બીજી બધી વ્યવસ્થા તો થઈ ગઈ પણ શિક્ષકદિનમાં ભાગ લેવા માટે 76 વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા. જેમાથી 8 વિદ્યાર્થીઓએ નોન-ટીચિંગ સ્ટાફ માટે પસંદગી કરી હતી. બાકીના 68 વિદ્યાર્થીઓએ શિક્ષક બનવું હતું.
આટલા વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે કેવી રીતે સમાવવા?બધા શિક્ષકો તેની વિમાસણ અને ચર્ચામાં પડ્યા. ‘હોશિયારને રાખો’‘બોલે તેવાને રાખો’‘આપણે જ નક્કી કરી નાખો’‘જોઈએ તેટલા રાખો, બાકીનાને ના પડી દો’ – આવા ઘણાં બધા અભિપ્રાયો વહેતા થયા. આ ‘ ના ’ પાડી દેવાની વાત આવી ત્યારે સૂચવ્યું કે ગમે તે ઉકેલ કાઢો પણ આપણે એક પણ વિધ્યાર્થીને ના પાડવી નથી, તેમના ઉત્સાહને માન આપવું છે.
અંતે અમારા શિક્ષક શ્રી તેજસભાઈ પરમારે ઘણી મહેનત કરીને શિક્ષકદિનનું સમયપત્રક ઘડી કાઢ્યું, દરેક પીરિયડમાં બે શિક્ષકો સાથે ભણાવશે –તેવું નક્કી થયું.(હાલ શાળામાં ધો:2-4માં દરેક વર્ગમાં 2-2 શિક્ષકો ભણાવે છે.)
આખો દિવસ બહુ સારી રીતે પસાર થયો. બાળકોએ ખૂબ રસપૂર્વક કાર્ય કર્યું. બાળકોને શૈક્ષણિક રીતે તૈયાર કરવામા અને સાડી / કપડાં વગેરેની વ્યવસ્થામાં સ્ટાફ મિત્રોએ સાથ આપ્યો. ઘરેથી આવતા બાળકોને પણ તેમના વાલીઓએ બરાબર તૈયાર કરીને મોકલેલા.
આખા દિવસ દરમિયાન બાળકોનો ઉત્સાહ ખુબ જ સારો રહ્યો. દિવસના અંતે બધા એકસાથે મળ્યા, શિક્ષક્ બનેલા વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો. સારું ભણાવવા માટે કેટલી તૈયારી કરવી પડે છે અને તેટલી મહેનત બાદ વર્ગમાં કોઈ વિદ્યાર્થી અવાજ કરે તો ક્રેટલું ખરાબ લાગે તે અમને આજે સમજાય છે- હવે અમે શાંતિથી ભણીશું- આવું ભાવનાત્મક અવલોકન રજુ થયું. અંતે ખુબ આનંદ સાથે બધા જુદા પડ્યા.
GALLERY:
0 Comments